શિક્ષણ જગતમાં જ્યારે પણ ‘પ્રકૃતિવાદ’ (Naturalism) ની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ જીન-જેક રુસોનું આવે છે. અઢારમી સદીમાં જ્યારે શિક્ષણ માત્ર ગોખણપટ્ટી અને શિક્ષકના કડક નિયંત્રણમાં હતું, ત્યારે રુસોએ પોતાના ક્રાંતિકારી વિચારોથી શિક્ષણને ‘બાળકેન્દ્રી’ બનાવવાની શરૂઆત કરી હતી. B.Ed. અને શિક્ષક યોગ્યતા કસોટીઓ (જેમ કે TAT) માટે રુસોના શૈક્ષણિક વિચારો સમજવા અત્યંત જરૂરી છે.
૧. રુસોનો પરિચય અને મુખ્ય રચનાઓ

- જન્મ: ૧૭૧૨, જિનેવા.
- ફિલસૂફી: પ્રકૃતિવાદ (Naturalism). રુસો માનતા હતા કે ઈશ્વર દ્વારા સર્જાયેલી દરેક વસ્તુ પવિત્ર અને સારી હોય છે, પરંતુ સમાજના સંપર્કમાં આવવાથી તે દૂષિત થાય છે.
- મુખ્ય પુસ્તકો:
- ‘એમિલ’ (Emile): આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું બાઇબલ ગણાય છે. આ પુસ્તકમાં રુસોએ ‘એમિલ’ નામના કાલ્પનિક બાળકના ઉછેર અને શિક્ષણની કથા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.
- ‘સામાજિક કરાર’ (The Social Contract): આ રાજકીય તત્વજ્ઞાન પરનું પુસ્તક છે.
૨. રુસોની શૈક્ષણિક વિચારધારાના મુખ્ય સ્તંભો
અ. બાળકેન્દ્રી શિક્ષણ (Child-Centered Education) રુસોએ શિક્ષણમાં સૌથી મોટો બદલાવ એ આણ્યો કે તેમણે શિક્ષણના કેન્દ્રમાં ‘બાળક’ ને પ્રસ્થાપિત કર્યું. તેમના મતે, અભ્યાસક્રમ બાળકની જરૂરિયાત, રસ અને વયકક્ષા મુજબ હોવો જોઈએ, નહીં કે શિક્ષકની અનુકૂળતા મુજબ.
બ. નકારાત્મક શિક્ષણ (Negative Education) આ TAT પરીક્ષા માટે ખૂબ જ IMP કોન્સેપ્ટ છે.
- નકારાત્મક શિક્ષણ એટલે બાળકને શરૂઆતથી જ પુસ્તકો પકડાવી દેવાને બદલે, તેને ખરાબ આદતો અને ખોટા વિચારોથી બચાવવું.
- રુસોના મતે, ૫ થી ૧૨ વર્ષના બાળકને કોઈ ઔપચારિક (formal) શિક્ષણ આપવું જોઈએ નહીં. તેને માત્ર તેની ઇન્દ્રિયોના વિકાસ માટે મુક્ત છોડી દેવું જોઈએ.
ક. પ્રકૃતિ તરફ પાછા ફરો (Return to Nature) રુસો માને છે કે કૃત્રિમ અને બંધિયાર વર્ગખંડો કરતાં પ્રકૃતિ એ બાળકની સૌથી મોટી અને સાચી શાળા છે. બાળક ઝાડ, પાન, પશુ-પક્ષીઓ અને ખુલ્લા વાતાવરણમાંથી જે શીખે છે, તે પુસ્તકોમાંથી ક્યારેય શીખી શકતું નથી.
૩. ‘એમિલ’ પુસ્તક મુજબ બાળવિકાસના ૪ તબક્કાઓ અને શિક્ષણ
રુસોએ માનવ વિકાસને ૪ તબક્કામાં વહેંચીને દરેક માટે અલગ શિક્ષણની હિમાયત કરી છે:
- શૈશવાવસ્થા (Infancy: ૧ થી ૫ વર્ષ): આ સમયગાળામાં બાળકના શારીરિક વિકાસ પર ધ્યાન આપવું. તેને કોઈ જ પ્રકારના બંધનમાં રાખ્યા વિના શારીરિક રીતે મજબૂત બનવા દેવું.
- બાલ્યાવસ્થા (Childhood: ૫ થી ૧૨ વર્ષ): આ ઇન્દ્રિય તાલીમ (Sensory Training) નો સમય છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચાના અનુભવો દ્વારા શીખવા દેવું. આ તબક્કામાં નકારાત્મક શિક્ષણ લાગુ પડે છે. પુસ્તકીયા જ્ઞાનનો સખત વિરોધ.
- કિશોરાવસ્થા (Boyhood: ૧૨ થી ૧૫ વર્ષ): આ બૌદ્ધિક વિકાસનો તબક્કો છે. અહીં રુસો “સ્વાનુભવ દ્વારા શિક્ષણ” (Learning by Doing) પર ભાર મૂકે છે. બાળકને જિજ્ઞાસા સંતોષવા માટે જાતે પ્રયોગો કરવા દેવા.
- યુવાવસ્થા (Adolescence: ૧૫ થી ૨૦ વર્ષ): આ સમયમાં યુવાનને સામાજિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ, જેથી તે સમાજમાં યોગ્ય રીતે જીવી શકે.
૪. શિક્ષકનું સ્થાન અને શિસ્ત (Discipline)
- શિક્ષકનું સ્થાન: રુસોના મતે શિક્ષક એ સરમુખત્યાર નથી, પરંતુ એક ‘માર્ગદર્શક’ અને ‘નિરીક્ષક’ છે. શિક્ષકનું કામ બાળકને શીખવવાનું નથી, પરંતુ એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જ્યાં બાળક જાતે શીખી શકે.
- શિસ્તનો સિદ્ધાંત (પ્રાકૃતિક પરિણામો દ્વારા શિસ્ત): રુસો શારીરિક શિક્ષા (માર મારવો કે સજા કરવી) ના સખત વિરોધી હતા. તેઓ ‘Discipline by Natural Consequences’ માં માનતા હતા. જો બાળક કાચનો ગ્લાસ તોડે, તો તેને સજા ન આપો; જ્યારે તેને કાચ વાગશે ત્યારે પ્રકૃતિ તેને જાતે જ પાઠ ભણાવશે કે કાચ સાથે રમત ન કરાય.
📝 ક્વિક રિવિઝન: TAT Exam માટે અગત્યના મુદ્દા (One-Liners)
- પ્રકૃતિવાદના જનક: જીન-જેક રુસો.
- “પુસ્તકો એ બાળકના વિકાસમાં સૌથી મોટો અંતરાય છે” આવું કોણે કહ્યું? રુસો.
- શિક્ષણમાં ઇન્દ્રિય તાલીમ (Sensory Training) પર કોણે ભાર મૂક્યો? રુસો.
- “પ્રકૃતિ દ્વારા મળતી સજા જ સાચી શિસ્ત છે” આ વિચાર કોનો છે? રુસો.
- નકારાત્મક શિક્ષણ (Negative Education) નો ખ્યાલ કોણે આપ્યો? રુસો.